અમેરિકામાં પ્રમુખપદની ઐતિહાસિક ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં ઈતિહાસનું ફરી એક વખત પુનરાવર્તન થશે કે નવો ઈતિહાસ રચાશે તે બુધવારે જાહેર થઈ જશે, કારણ કે ૨૦ રાજ્યોમાં મતદાન શરૂ થવાની સાથે મતગણતરી પણ શરૂ થઈ ગઈ છે. ડેમોક્રેટ હેરીસ અને રિપબ્લિકન ટ્રમ્પ વચ્ચે આકરી સ્પર્ધા જોવા મળી રહી છે. અમેરિકન ચૂંટણીના વિજેતા જાન્યુઆરી ૨૦૨૫માં પ્રમુખપદના શપથ લેશે. અમેરિકામાં પ્રમુખપદની સાથે સ્ટેટ એસેમ્બલી અને સ્થાનિક એકમોની પણ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ૩૬ ભારતીય અમેરિકનોએ પણ ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યું છે.