ઇઝરાયલ માટે સતત પડકારો વધી રહ્યા છે. મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઇઝરાયલ એક સાથે અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે. અત્યાર સુધી ઇઝરાયલ હમાસ, લેબેનોન અને ઇરાન સામે લડત આપી રહ્યું હતું. જો કે, હવે યમને પણ આ યુદ્ધમાં ઝંપલાવી ઇઝરાયલ પર મિસાઇલ હુમલો કર્યો છે. આજે (7 ઓક્ટોબર) હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલાને એક વર્ષ પૂર્ણ થતા ઇઝરાયલ પર યમન, લેબેનોન અને હમાસ દ્વારા મોટા પાયે હુમલા કરવામાં આવ્યા હતા. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર 135 રોકેટ છોડતા ઇઝરાયલ ધણધણી ઉઠ્યું હતું. જો કે, ઇઝરાયલી સેના IDFએ પણ બેરૂતમાં એર સ્ટ્રાઈક કરી જવાબ આપ્યો હતો.