Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રીએ આપેલી માહિતી

માર્ચ 17, 2025: આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને 2023માં અને 13ને 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા. પાકિસ્તાનની જેલોમાં હાલ કેદમાં રખાયેલા ભારતના માછીમારો સંબંધે રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના વિદેશમંત્રી શ્રી કિર્તીવર્ધનસિંહે આ માહિતી આપી હતી.
વિદેશ રાજ્યમંત્રીના નિવેદન અનુસાર, ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ પોતપોતાની જેલોમાં કેદ એકબીજાના દેશના નાગરિકો અને માછીમારોની યાદી એકબીજાને સુપરત કરે છે. આ અંતર્ગત ગત 1 જાન્યુઆરી, 2025ના રોજ અપાયેલી યાદીમાં પાકિસ્તાને તેની જેલમાં 217 ભારતીય માછીમારો કેદ હોવાનું સ્વીકાર્યું હતું. આ યાદી અપાઈ ત્યારથી એક ભારતીય માછીમારનું અવસાન થયું છે અને 22 અન્ય ભારતીય માછીમારને મુક્ત કરીને ભારતને સોંપી દેવાયા છે.
આ નિવેદનમાં ઉલ્લેખ કરાયો હતો કે, ભારતીય માછીમારોના કલ્યાણ, સુરક્ષા અને સલામતીને ભારત સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારની અટકાયતના જેવા સમાચાર મળે કે તુરત ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ હરકતમાં આવી જાય છે. પાકિસ્તાન સરકાર પાસેથી આ માછીમારો સાથે ભારતીય રાજદૂતની મુલાકાતની માગણી કરાય છે તેમજ તેમને વહેલીતકે મુક્ત કરીને સ્વદેશ પરત મોકલાય તેની પણ વ્યવસ્થા કરાય છે. કાનૂની સહાયતા સહિત ભારતીય માછીમારોને તમામ સંભવિત મદદ પહોંચાડાય છે. પાકિસ્તાન સરકાર સમક્ષ ભારતીય દૂતાવાસ દ્વારા સતત ભારતીય માછીમારોની વહેલીતકે મુક્તિ તેમજ સ્વદેશગમનનો મુદ્દો ઉઠાવાય છે. એટલું જ નહીં, આ મામલો સંપૂર્ણપણે માનવતાવાદી ધોરણે તેમજ જીવનનિર્વાહને અનુલક્ષીને ધ્યાનમાં લેવામાં આવે તેવો સંદેશો આપવામાં આવે છે. 
‘ઈન્ડિયા-પાકિસ્તાન એગ્રિમેન્ટ ઓન કોન્સ્યુલર એક્સેસ 2008’માં પાકિસ્તાન દ્વારા ધરપકડ કરાયેલા માછીમારોની મુક્તિ અને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયાની માર્ગદર્શિકા નિર્ધારિત કરાઈ છે. બંને દેશની હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની બનેલી ‘ઈન્ડિયા-પાકિસ્તાન જ્યુડિશિયલ કમિટી ઓન પ્રિઝનર્સ’ દ્વારા કેદીઓ તેમજ માછીમારો સાથે માનવતાપૂર્ણ વ્યવહાર માટેનાં પગલાં ઉપરાંત તેમની વહેલીતકે મુક્તિની ભલામણ કરાય છે. બંને દેશની સરકારોએ 2008ની સાલમાં આ કમિટીની સ્થાપના કરી હતી જેની અત્યારસુધીમાં સાત વખત બેઠક યોજાઈ ચૂકી છે.
વિદેશ રાજ્યમંત્રીના જવાબમાં ઉલ્લેખ કરાયો હતો કે, ભારત સરકારના માછીમારી વિભાગ, મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલય દ્વારા માછીમારોના કલ્યાણ માટે વિવિધ ફ્લેગશીપ કાર્યક્રમોનું સંચાલન કરાય છે. ગુજરાત સરકાર પણ કેદ કરાયેલા માછીમારોના પરિવારજનોને નાણાકીય સહાય પૂરી પાડવા રાહત યોજનાનું સંચાલન કરી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ