એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા તાજેતરના વિશ્લેષણમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશભરના રાજ્યોની વિધાનસભાઓમાં લગભગ 44 ટકા ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ગુનાહિત કેસ જાહેર કર્યા છે. ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં સમગ્ર દેશમાં રાજ્યની વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્તમાન ધારાસભ્યોના સોગંદનામાની તપાસ કરવામાં આવી હતી. આ ડેટા તાજેતરની ચૂંટણી લડતા પહેલા ધારાસભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલા ચૂંટણી સોગંદનામામાંથી એકત્રિત કરવામાં આવ્યો હતો.
4001 ધારાસભ્યોને આવરી લેવાયા
વિશ્લેષણમાં 28 રાજ્યની વિધાનસભાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત કુલ 4,033માંથી 4,001 ધારાસભ્યોને આવરી લેવામાં આવ્યા છે. જેના આધારે એડીઆર રિપોર્ટ બહાર આવ્યો છે. ADR મુજબ, વિશ્લેષણ કરાયેલા 1,136 અથવા લગભગ 28 ટકા ધારાસભ્યોએ પોતાની સામે ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા હતા. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સામેલ છે.
કેટલા ધારાસભ્યોએ ગુનાહિત કેસ જાહેર કર્યા?
કેરળમાં 135માંથી 95 ધારાસભ્યો એટલે કે 70 ટકાએ પોતાની વિરુદ્ધ ગુનાઈત કેસ જાહેર કર્યા છે. એ જ રીતે બિહારમાં 242માંથી 161 ધારાસભ્યો (67 ટકા), દિલ્હીમાં 70માંથી 44 ધારાસભ્યો (63 ટકા), મહારાષ્ટ્રમાં 284માંથી 175 ધારાસભ્યો (62 ટકા), તેલંગાણામાં 118માંથી 72 ધારાસભ્યો (61 ટકા) અને તમિલનાડુમાં 224 ધારાસભ્યોમાંથી 134 ધારાસભ્યો (60 ટકા)એ તેમના સોગંદનામામાં પોતાની સામેના ગુનાહિત કેસ જાહેર કર્યા હતા. આ સિવાય ADRએ અહેવાલ આપ્યો છે કે દિલ્હીમાં 70 માંથી 37 ધારાસભ્યો (53 ટકા), બિહારમાં 242 માંથી 122 ધારાસભ્યો (50 ટકા), મહારાષ્ટ્રમાં 284 માંથી 114 ધારાસભ્યો (40 ટકા), ઝારખંડમાં 79 માંથી 31 (39 ટકા) ધારાસભ્યો, તેલંગાણામાં 118 માંથી 46 ધારાસભ્યો (39 ટકા) અને ઉત્તર પ્રદેશમાં 403 માંથી 155 ધારાસભ્યોએ (38 ટકા) પોતાની સામે ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા હતા