ગુજરાતના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાન ખાતે કિંગ્સ ઓફ સાળંગપુરની પ્રતિમા સંકુલમાં બનાવેલા ભીંતચિત્રનો વિવાદ વકર્યા બાદ, ગઈકાલ મોડી રાત્રે વિવાદિત ભીંતચિત્રો દૂર કરાયા હતા. વિવાદિત ભીંતચિત્રોને લઈને સનાતન ધર્મના અનેક સાધુ સંતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જો કે ગઈકાલે સરકારસ્તરે યોજાયેલી બેઠક બાદ વિવાદિત ભીંતચિત્રો હટાવવાનો નિર્ણય લેવાયો હતો. જે મોડી રાત્રીએ અમલમાં મૂકાયો હતો. જો કે વિવાદિત ભીંતચિત્રો દૂર કરવાની સમગ્ર કાર્યવાહી દરમિયાન સાળંગપુર સંકુલમાંથી મીડિયા કર્મીઓને દૂર કરાયા હતા.