2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવા રબારી આજે કેસરિયા કરશે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ગોવા રબારી આજે ભાજપમાં જોડાશે. ડીસા માર્કેટ યાર્ડમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ગોવા રબારી ભાજપમાં વિધિવત રીતે સામેલ થશે. ગોવા રબારીની સાથે થરાદ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિત 4 કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકરો પણ ભાજપમાં જોડાશે. ડીસા શહેર પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખે પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ એકસાથે 5 નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.