1924ના કોંગ્રેસ અધિવેશનમાં મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરી રહી છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં યોજાશે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી પણ મહત્ત્વપૂર્ણ બેઠકો કરશે. નોંધનીય છે કે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે. અધિવેશનમાં કુલ બે હજારથી વધુ નાના મોટા નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે સવારે 11 વાગ્યે બે દિવસીય અધિવેશનની શરૂઆત થશે. આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થશે. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે પાંચ વાગ્યે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં સામેલ થશે.