નીટ યુજી ૨૦૨૪ના પરિણામો જાહેર થતાં જ વિદ્યાર્થીઓ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ નીટમાં વ્યાપક સ્તરે ગેરરીતિ, પેપર લીકના આક્ષેપો કર્યા હતા. નીટ મુદ્દે દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બિહાર પોલીસની આર્થિક ગુના શાખાએ નીટ પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં ૧૩ લોકોની ધરપકડ કરી છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં લગભગ સાત આરોપીઓએ દાવો કર્યો છે કે નીટનું પેપર તેમને એક દિવસ પહેલાં જ મળી ગયું હતું અને સેફ હાઉસમાં તેમને જવાબ ગોખાવી દેવાયા હતા. આ ગેરરીતિઓને જોતાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે હવે તેમને પરીક્ષાનું આયોજન કરનાર એનટીએમાં કોઈ વિશ્વાસ નથી. દરમિયાન સુપ્રીમે નીટ રદ કરવા મુદ્દે કેન્દ્ર સરકાર અને એનટીએને નોટિસ ફટકારી છે.