ઉત્તર ભારતમાં આકરી ઠંડી યથાવત્ છે. ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં ઠંડીના કારણે હાર્ટ અને બ્રેઈન એટેકનું જોખમ વધ્યું છે. એક જ દિવસમાં શહેરમાં ૨૫ લોકોનાં મોત હાર્ટ અને બ્રેઈન એટેકથી થયા હતા. ઠંડીથી લોહી જામી જતું હોવાથી અચાનક બ્લડ પ્રેશર વધી જવાના બનાવો સામે આવ્યા હતા. કાનપુરમાં ૭૨૩ લોકોએ હૃદયમાં દુખાવાની ફરિયાદ કરીને સારવાર લીધી હતી.
દેશભરમાં શીતલહેરની સ્થિતિ છે. એમાંય ઉત્તર ભારતમાં ગાત્રો શિથિલ કરતી ઠંડીનો પ્રકોપ વર્તાય છે. પાટનગર દિલ્હીમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડીની લહેર અનુભવાઈ હતી. લઘુત્તમ તાપમાનનો પારો ૧.૮ ડિગ્રી સુધી ગગડી ગયો હતો. ગાઢ ધુમ્મસના કારણે વાહન-વ્યવહાર-ટ્રેનના આવાગમનને અસર પહોંચી હતી. ૨૬ ટ્રેનને રોકી રાખવાની ફરજ પડી હતી, તો દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ૩૦ ફ્લાઈટને મોડી કરવી પડી હતી. પાટનગર દિલ્હીમાં શિમલા, ધર્મશાળા, દેહરાદૂન, ડેલ્હાઉસી, નૈનીતાલ કરતાં પણ વધારે આકરી ઠંડી પડી હતી અને આ સ્થળો કરતાં દિલ્હીનું તાપમાન ઓછું નોંધાયું હતું.