આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિત મારામારીના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલે કહ્યું છે કે, તેઓ ઈચ્છે છે કે કેસની નિષ્પક્ષ તપાસ થાય અને ન્યાય મળે. તો સ્વાતિ માલીવાલે આરોપ લગાવતા કેજરીવાલના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે.
સ્વાતિ માલીવાલનો આરોપ છે કે જ્યારે તેઓ 13 મેના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા તેમના સત્તાવાર નિવાસ સ્થાને ગયા હતા. તો કેજરીવાલના ખાનગી સચિવ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વિભવની ધરપકડ કરી છે. ન્યૂઝ એજન્સી, PTI સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે, 'આ મામલો હાલમાં વિચારણા હેઠળ છે અને તેમની ટિપ્પણીઓ કાર્યવાહીને અસર કરી શકે છે.'