ગુજરાત પર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય બનતા હવામાન વિભાગ દ્વારા અપાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાચી ઠરતા કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી જનજીવન ખોરવાયું છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાહન વ્યવહારને અસર પહોંચી છે. કંડલા બંદર પર સાવચેતીના ભાગ રૂપે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવવામાં આવ્યું છે. માંડવીમાં સાડા બાર ઈંચ, નખત્રાણામાં અગિયાર, મુંદરા અને ભુજમાં સાડા છ, ભચાઉ સાડા પાંચ, રાપરમાં પાંચ, અબડાસામાં છ, અંજારમાં સાડા ચાર, લખપતમાં સવા ચાર અને ગાંધીધામમાં ચાર ઈંચ વરસાદ તા.25ની રાત્રિથી મંગળવારની સાંજના છ વાગ્યા સુધીમાં નોંધાયો છે.