દિલ્હીના ન્યાયાધીશ જસ્ટિસ વર્માના ઘરમાં હોળીના દિવસે લાગેલી આગ, તેમના ઘરમાંથી કથિત રીતે મળેલી કરોડોની રોકડના વિવાદનું કોકડું ગુંચવાયું છે. જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં કથિત રીતે મળી આવેલી કરોડો રૂપિયાની રોકડની ઘટનાની તપાસ કરી રહેલા દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે શનિવારે તેમનો રિપોર્ટ સીજેઆઈ સંજિવ ખન્નાને સોંપી દીધો હતો. આ સાથે સીજેઆઈએ દિલ્હી હાઈકોર્ટને જજ વર્માને હાલ કોઈ જ્યુડિશિયલ કામ નહીં સોંપવા આદેશ આપ્યો છે તેમજ આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવી છે.