ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે ફરી એક વખત હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ૮થી ૧૦ જાન્યુઆરી વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. બીજીબાજુ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં શનિવારે હળવુ ધુમ્મસ છવાયેલુ હતું.
દિલ્હીમાં ૨૭ ડિસેમ્બરથી ઠંડી વધવાના કારણે ૯ દિવસથી દિલ્હી સહિત નવ શહેરોમાં સૂર્યના દર્શન દુર્લભ થયા છે. અહીં પાંચ વર્ષ પછી આવી સ્થિતિ જોવા મળી છે. વધુમાં ધુમ્મસના કારણે અનેક ટ્રેનોના પરીવહન પર અસર થઈ છે, જેને પગલે ૨૦ હજાર ટિકિટો રદ થતા રેલવેને અંદાજે સવા કરોડનું નુકસાન થયું છે.