ઈસરોને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત ઉતરાણ વિસ્તાર મળ્યો છે. તે લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 70 ડિગ્રી અક્ષાંશ પર લેન્ડ કરશે, જ્યાં આજ સુધી કોઈ વાહન ઉતર્યું નથી. આ પહેલા ચીને તેના લેન્ડરને 45 ડિગ્રી અક્ષાંશ પર લેન્ડ કર્યું હતું. અત્યાર સુધી, અન્ય દેશોએ તેમના વાહનોને ચંદ્રની મધ્ય રેખા પર જ ઉતાર્યા છે, કારણ કે ત્યાંની સપાટી સપાટ છે.
ચંદ્રયાન-3 પ્રક્ષેપણનો ઉદ્દેશ્ય ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવાનો, લેન્ડરનો ઉપયોગ કરીને વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતારવાનો અને ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા રોવરને લેન્ડરમાંથી મુક્ત કરવાનો છે. ISROનું કહેવું છે કે તે ચંદ્રયાન-3ને એવી જગ્યાએ લેન્ડ કરશે, જ્યાં અત્યાર સુધી કોઈ દેશે તેનું વાહન લેન્ડ કર્યું નથી.
આંધ્ર પ્રદેશમાં સ્થિત શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-3 લોન્ચ થશે. આજે 14 જુલાઈ, 2023ના ભારતીય સમય અનુસાર બપોરે 2.30 કલાકે ચંદ્રયાન-3 લોન્ચ થશે.