Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 કેન્દ્ર સરકારે ગુજરાતના ગીરમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનના ભાગરૂપે સિંહોના સંરક્ષણ માટે “લાયન @ 47: વિઝન ફોર અમૃતકાળ” ડોક્યૂમેન્ટ તૈયાર કર્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબેએ 22 ડિસેમ્બર 2022ના રોજ રાજ્યસભામાં રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં ઉપરોક્ત વિગતો આપી હતી.
મંત્રીશ્રીના નિવેદન મુજબ સિંહોના રહેઠાણોને સુરક્ષિત અને પુનઃસ્થાપિત કરવા માટે તેની વધતી જતી વસ્તીનું સંચાલન કરવા, સ્થાનિક લોકોની આજીવિકા વધારવા અને સ્થાનિક સમુદાયોની સંરક્ષણમાં ભાગીદારી વધારવા માટેનાં લક્ષ્યાંકોનો સમાવેશ કરી “લાયન @ 47: વિઝન ફોર અમૃતકાળ” નામનું પ્રોજેક્ટ લાયન ડોક્યૂમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડોક્યૂમેન્ટમાં ડાલામથ્થાને થતાં રોગના નિદાન અને સારવાર તથા પ્રોજેક્ટ લાયન પહેલ દ્વારા સમાવેશી જૈવવિવિધતાના સંરક્ષણ માટેના જ્ઞાનનું વૈશ્વિક હબ બનાવવાનો પણ તેમાં સમાવેશ કરાયો છે. પ્રોજેક્ટ લાયન સંરક્ષણ અને પર્યાવરણ-વિકાસને એકીકૃત કરીને ગુજરાતમાં જીવસૃષ્ટિ આધારિત એશિયાટિક સિંહના સંરક્ષણની કલ્પના કરે છે, તેમ નિવેદનમાં જણાવાયું છે.
શ્રી નથવાણી જાણવા માગતા હતા કે શું પ્રોજેક્ટ લાયન અને/અથવા તૈયાર કરવામાં આવેલા રોડમેપ માટે કોઈ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે કે કેમ? આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ લાયન માટે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આપવામાં આવેલા ભંડોળની વિગતો અને શું ગુજરાત સરકારે કેન્દ્ર તરફથી મળેલા પ્રોજેક્ટ લાયન ફંડના ઉપયોગનો અહેવાલ સુપરત કર્યો છે 
કે કેમ?
મંત્રીશ્રીના નિવેદનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ ગુજરાતના ગીર પ્રદેશમાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે જે એશિયાઇ સિંહનું છેલ્લું ઘર છે. પ્રોજોક્ટ ટાઇગર, જે દેશભરમાં આવેલા 53 વાઘ અભયારણ્યોમાં પ્રોજેક્ટ ટાઇગર અમલમાં મુકાયો છે, અને પ્રોજેક્ટ લાયન બંને આપણા ગૌરવ સમાન પ્રજાતિઓ જ્યાં વસવાટ કરે છે તેની આખી ઇકોસિસ્ટમનું સર્વગ્રાહી સંરક્ષણ કરવાના વિચારનો સમાવેશ કરે છે.
મંત્રીશ્રીના નિવેદન અનુસાર પ્રોજેક્ટ લાયન ગુજરાત રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી જેવા અન્ય હિતધારકો દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે અને છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારને કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના (CSS)- 'વન્યજીવ આવાસનો વિકાસ' હેઠળ એશિયાટિક સિંહો સહિત વન્યજીવોના સંરક્ષણ માટે ગુજરાત રાજ્યને રૂ. 124.58 લાખની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત એશિયાટિક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ હેઠળ 2018-19 દરમિયાન જારી કરાયેલા રૂ. 1641.42 લાખના અનુદાનનું પુનઃપ્રમાણીકરણ પણ આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. નિવેદન મુજબ ગુજરાત રાજ્ય સરકારે એશિયાટિક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રના હિસ્સા તરીકે જાહેર કરાયેલા ભંડોળ માટે ઉપયોગિતા પ્રમાણપત્ર સુપ્રત કર્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ