ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીતતા ફાઈનલમાં ન્યુઝીલેન્ડને એક ઓવર બાકી હતી ત્યારે ચાર વિકેટે પરાજય આપ્યો હતો. ન્યુઝીલેન્ડે 50 ઓવરોમાં 7 વિકેટે 251 રન કર્યા હતા. ભારતે 6 વિકેટે 254 રન 49 ઓવરોમાં નોંધાવી ટાર્ગેટ પાર પાડી ફાઇનલ મેચ જીતી હતી.
અમદાવાદમાં મોડી રાત સુધી ઉજવણી
જીત બાદ દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ક્રિકેટરોએ મેદાનમાં તો ક્રિકેટ રસિયાઓએ રસ્તાઓ પર આવીને ઉજવણી કરી હતી. અમદાવાદમાં ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સિંધુ ભવન રોડ પર લોકો કારમાં પોતાના બાળકો સાથે હાથમાં ઝંડાઓ લઈને જીતની ઉજવણી કરવા પહોંચી ગયા હતા. મણિનગરમાં પણ રસ્તો બ્લોક થઈ ગયો હતો. લોકોએ રસ્તા પર હાથમાં તીરંગા સાથે ઈન્ડિયા ઈન્ડિયાની ચિચિયારીઓ પાડી હતી.