સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા આર્યન ખાન ડ્રગ કેસના તત્કાલીન મુખ્ય તપાસ અધિકારી સમીર વાનખેડે પર આ કેસમાં આર્યનને નહિ ફસાવવા માટે શાહરુખ ખાને પાસે ૨૫ કરોડની લાંચ માગવાનો ગુનો સીબીઆઈ દ્વારા દાખલ કરાયો છે. સીબીઆઈની ટીમ મુંબઈમાં વાનખેડેના ઘર સહિત દેશભરમાં ૨૯ સ્થળોએ ત્રાટકી હતી. વાનખેડે ઉપરાતં બીજા ચાર લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઓક્ટોબર ૨૦૨૧માં મુંબઈમાં કોર્ડેલિયા ક્રૂઝમાંથી આર્યન ખાનની ધરપકડ કરી તેના પર ડ્રગની હેરાફેરીનો આરોપ લગાવાયો હતો. જોકે, બાદમાં આર્યનને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા એટલું જ નહિ પરંતુ ખુદ એનસીબીએ જ આ કેસમાં કોઈ તથ્ય નહિ હોવાનું સ્વીકારી આર્યન ખાનને ક્લિનચીટ આપી દીધી હતી. આ કેસમાં તે સમયે જ મોટાપાયે નાણાં માગવામાં આવ્યાં હોવાના આક્ષેપો વાનખેડે પર થયા હતા. હવે એનસીબી વિજિલન્સની ભલામણના આધારે જ સીબીઆઈએ વાનખેડેને સકંજામાં લીધા છે.