બિહારમાં જાતિ આધારિત વસતિ ગણતરીનો અહેવાલ રજૂ થયો હતો. ડેવલપમેન્ટ કમિશ્નર વિવેક સિંહે રિપોર્ટ જાહેર કર્યો હતો. બિહાર સરકારે જાન્યુઆરી-૨૦૨૩માં જાતિ આધારિત સર્વે શરૂ કરાવ્યો હતો. ભાજપ સહિતના પક્ષોએ એનો વિરોધ કર્યો હતો, જ્યારે સત્તાધારી જદયુ-રાજદ ઉપરાંત કોંગ્રેસ સહિતના નવ પક્ષોએ સમર્થન કર્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ અહેવાલને ઐતિહાસિક ગણાવ્યો હતો અને ગાંધી જયંતીના દિવસે રજૂ થયેલા અહેવાલનું સ્વાગત કર્યું હતું. આ ડેટાના આધારે પછાત જાતિના વિકાસમાં મદદ મળશે એવું મુખ્યમંત્રીએ કહ્યું હતું. બિહારની કુલ વસતિ ૧૩ કરોડથી વધુ હોવાનં નોંધાયું હતું ને એમાંથી અતિ પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગની વસતિ ૬૩ ટકા જેટલી થાય છે.