આજે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થઈ જવાના કારણે 9 લાખથી પણ વધુ ઉમેદવારો રઝળી પડ્યા હતા. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા તેમજ અમરેલી સહિતના જિલ્લાઓમાં દૂર દૂરથી ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. ગરીબ ઉમેદવારો ઉંચા ભાડા આપીને સ્વ ખર્ચ કરીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ્દ થવાની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતમાં આજે વધુ એક વખત સરકારી પરીક્ષાનું પેપર ફૂટી જતા પરિક્ષાને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા જ હજારો ઉમેદવારોઓ રઝળી પડ્યા હતા. આ પરીક્ષા માટે 9 લાક કરતા પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આજે અનેક જિલ્લાઓમાં ઉમેદવારોઓ દૂર દૂરથી પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા વહેલી સવારે જ નીકળી ગયા હતા.