ભારતીય વાયુસેનાએ લદ્દાખના કારગિલ શહેરમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. ગઈકાલે રાત્રે વાયુસેનાએ કારગિલ એરસ્ટ્રીપ પર C-130J સુપર હર્ક્યુલસ વિમાનને લેંડ કરાવ્યું હતું. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરીને કહ્યું, ‘વાયુસેનાએ પહેલીવાર C-130J વિમાનને કારગિલ એરસ્ટ્રીપ પર રાતના સમયે લેંડ કરાવ્યું છે. આ અભ્યાસ દરમિયાન ટેરેન માસ્કિંગનું કામ કરતા ગરુડ કમાન્ડોને પણ તહેનાત કરવામાં આવ્યા હતા.’ ટેરેન માસ્કિંગ એક લશ્કરી વ્યૂહરચના છે, જેમાં પર્વતો, ટેકરીઓ અને જંગલ જેવી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરી દુશ્મનના રડારથી બચવા માટે કરવામાં આવે છે. તેનો હેતુ દુશ્મનોથી છુપાઈને તેની કામગીરી હાથ ધરવાનો છે.