રસ્તાના બાંધકામમાં ઝડપ અને ગુણવત્તા સાથે બાંધછોડ ન કરવા માટે પ્રચલિત કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં મોટું નિવેદન આપ્યું છે. ગુરુવારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે 'મેં પહેલેથી જ કહ્યું છે કે જે કોન્ટ્રાક્ટર યોગ્ય કામ નહીં કરે તેમના પર બુલડોઝર ફેરવવામાં આવશે.' ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન, તેમણે રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે 'કોન્ટ્રાક્ટરોને આકરી સજા અને કાર્યવાહી દ્વારા સુધારવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારા વિભાગે 50 લાખ કરોડ રૂપિયાનું કામ કર્યું છે. અમે પારદર્શક, સમયબદ્ધ અને પરિણામલક્ષી કામ કરી રહ્યા છીએ.'