બ્રિટનના કિંગ ચાર્લ્સ (III) કેન્સરથી પીડિત હોવાની જાણકારી મળી છે. હાલ તેમની સારવાર શરૂ થઈ ચૂકી છે. બકિંઘમ પેલેસે આ માહિતી આપી હતી. લંડનમાં બકિંગહામ પેલેસ એ બ્રિટિશ રાજવી પરિવારનું સત્તાવાર નિવાસસ્થાન છે.
બકિંઘમ પેલેસના એક નિવેદનમાં 75 વર્ષીય ચાર્લ્સને કયા પ્રકારનું કેન્સર છે તે જણાવવામાં આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે ચાર્લ્સ તેમની સારવાર અંગે સંપૂર્ણ રીતે સકારાત્મક છે અને શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈને જાહેર જીવનમાં પાછા ફરશે. બકિંઘમ પેલેસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ” કિંગ ચાર્લ્સને પ્રોસ્ટેટના વિસ્તરણને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તપાસ બાદ કેન્સરના એક સ્વરૂપની ઓળખ કરાઈ હતી. હાલમાં તેમની નિયમિત સારવાર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, ડોકટરોએ તેમને જાહેર કાર્યક્રમોથી અંતર જાળવવાની સલાહ આપી હતી.”