ગુજરાતના સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન તેમજ નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સ્થાપક પદ્મશ્રી પૂ.ડાહ્યાભાઈ શાસ્ત્રી આજે મંગળવારે બ્રહ્મલીન થતાં નડિયાદ સહિત રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નડિયાદ સહિત રાજ્યએ એક વિભૂતી ખોઈ બેસતા સંસ્કૃત સાધકોમાં શોક પ્રવર્તી ગયો છે. તેમના અંતિમ દર્શન માટે બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ ખાતે લોકો ઉમટ્યા છે
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ડાભલા ગામમાં 26 ફેબ્રુઆરી 1926ના રોજ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પૂ.ડાહ્યાભાઈ કરૂણાશંકર પંચોલી (દાદા)એ સમગ્ર રાજ્યમાં નામના મેળવી હતી. તેઓ આપણી પ્રાચીન ભાષા સંસ્કૃતમાં પ્રખર વિદ્વાન હતા.અમદાવાદ અને વારાણસીમાં સંસ્કૃતનો ગહન અભ્યાસ કરીને વ્યાકરણાચાર્ય, સાહિત્યાચાર્ય, હિન્દી વિશારદની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ વ્યાકરણાચાર્ય અને સાહિત્યચાર્ય ખરા પરંતુ ભારતવર્ષના નાના બાળકોમાં પણ આપણી સંસ્કૃતિની ધરોહર સમા સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે તેઓ હંમેશા કાર્યરત રહ્યા છે.
વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ રહી ચૂકેલા હતા ઉપરાંત સંસ્કૃત ભાષા, વેદ ભાષા સાહિત્યના પ્રચારનું ભગીરથ કાર્ય કરનાર સ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડીના તેઓ અધ્યક્ષ હતા. સંસ્કૃત પાઠશાળાના તેઓશ્રી યશસ્વી આચાર્ય રહી ચુક્યા છે. તેમણે ગુજરાતની સંસ્કૃત પાઠશાળાના સફળ માર્ગદર્શક, નિરીક્ષક તરીકે પોતાની સેવા અર્પિત કરી છે.
સંસ્કૃત રક્ષા એ જ રાષ્ટ્રરક્ષા છે. તેવો જીવનમંત્ર ધારણ કરી દાદાએ સેવા નિવૃતિ બાદ પોતાના સ્વપ્નને સાકાર કરવા નડિયાદ ખાતે બ્રહ્મર્ષિ સંસ્કારધામની સ્થાપના કરીને સંસ્કારધામમાં ભવ્ય સંસ્કૃત મહાવિદ્યાલય, ગૌશાળા, વેદવિદ્યાભવન, અંગ્રેજી વિદ્યાભવન, યોગકેન્દ્રમાં વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસી રહ્યા હતા. 97 વર્ષની વયે દાદાએ વય અવસ્થાને લઈને બ્રહ્મલીન થતાં નડિયાદ સહિત રાજ્યે એક સંસ્કૃત વિદ્વાન ખોયા છે.