લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. તમામ રાજકીય પક્ષોએ દાવપેચ ખેલવાની શરૂઆત કરી દીધી છે. જેમાં ખાસ કરીને ગુજરાત કોંગ્રેસને વધુ ફટકો લાગ્યો છે. ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા 10 માર્ચે હજુ તો માંડ પૂર્ણ થઈ હતી કે, દાહોદ કોંગ્રેસ અને પોરબંદર કોંગ્રેસમાં ધડાકો થઈ ગયો હતો. બંને શહેરોના લગભગ 800થી વધુ કાર્યકર્તાઓ અને નેતાઓએ રાજીનામાં ધરી દીધા હતા. પોરબંદરમાં તો કોંગ્રેસ પાસે હવે કાર્યકર્તા જેવુ કઈ બચ્યું પણ નથી. આ સાથે 11 માર્ચે ગુજરાત ભાજપમાં મોટો ભરતી મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં BTPના અધ્યક્ષ મહેશ વસાવા પોતાના 400થી 800 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આ ઉપરાંત માણાવદરના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાશે.