ભારતીય જનતા પાર્ટીએ તેના 43માં સ્થાપના દિનની ગુજરાત સહિત દેશભરમાં ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ખાસ કરીને આગામી લોસભા ચૂંટણી 2024ને અનુલક્ષીને ચાલી રહેલી તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા 14 એપ્રિલે આંબેડકર જયંતી સુધી ઉજવણીના વિવિધ કાર્યક્રમો તૈયાર કર્યા છે. આ વખતે ગરીબો, વંચિતો, દલિત અને આદિવાસી સમાજ સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને પહોંચાડવા માટેના વિશેષ કાર્યક્રમો સામેલ કરાયા છે. સ્થાપના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી મુખ્યાલયથી દેશભરના કાર્યકરોને સંબોધન કરશે. ભાજપ દ્વારા બૂથસ્તરે વ્યાપક રીતે કાર્યકરો સાંભળી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તે દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. તેઓ ભાજપ કાર્યાલય ખાતે સ્થાપના દિનની ઉજવણી તેમજ સાળંગપુર ખાતે હનુમાનજીની પ્રતિમાના લોકાપર્ણ કાર્યક્રમમાં હાજરી આપશે.