વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠનમાં બદલાવનો એક મોટા દોરનો પ્રારંભ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીને છેલ્લા એક મહિનામાં 9 જેટલા જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખોને બદલી નાખ્યા છે. જો જિલ્લા વાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા, દ્વારકા, ખેડા, વડોદરા જિલ્લો, ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને મહેસાણા શહેર પ્રમુખોના રાજીનામાં લેવામાં આવ્યા છે. આ જિલ્લા અને શહેર પ્રમુખોના સ્થાને હવે નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી રહી છે.
ભારતીય જનતા પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ રાજીનામાં પાછળ મહત્વના કોઈ કારણ હોય તો બે પ્રકારના કારણો જોવા મળી રહેલા છે. પહેલું કારણ ભારતીય જનતા પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દોનો નિયમ છે. આ નિયમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અમરેલી જિલ્લા પ્રમુખ કૌશિક વેકરીયા ધારાસભ્ય બનતા તેમનું જિલ્લા પ્રમુખ તરીકે રાજીનામું લીધું તે જ રીતે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ ધારાસભ્ય બનતા તેમનું રાજીનામું લેવામાં આવેલું તો તે જ રીતે ખેડા જિલ્લા પ્રમુખ અમૂલ ડેરીમાં હોદ્દેદાર બનતા તેમનું પણ રાજીનામું લેવામાં આવેલ તો બીજું કારણ એ છે કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન અમુક જિલ્લા પ્રમુખો દ્વારા પક્ષ વિરોધની કામગીરી કરવાનું પણ સૂત્રો જણાવી રહેલા છે અને તે કારણોસર અમુક જિલ્લા અને શહેર પ્રમુખોના રાજીનામાં લેવામાં આવ્યા છે.