લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત આક્રામક ભાષણ આપીને કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં મહાભારતના ચક્રવ્યૂહને યાદ કરીને છ લોકોના નામ લઇને આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે ભારત એક નવા જ પ્રકારના ચક્રવ્યૂહમાં ફસાયેલુ છે, જેનુ સંચાલન છ લોકો કરી રહ્યા છે. સંસદમાં કેન્દ્રિય બજેટ પર ચર્ચામાં ભાગ લેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં અભિમન્યુને છ લોકોએ ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખ્યા હતા, ચક્રવ્યૂહનું બીજુ નામ પદ્મવ્યૂહ છે, જે કમળના ફૂલના આકારનું હોય છે, જેની અંદર ડર અને હિંસા હોય છે. ઇન્ડિયા ગઠબંધન આ ચક્રવ્યૂહને તોડશે.