દેશમાં લોકસભાની ચૂંટણીને હવે છ મહિનાથી ઓછો સમય બાકી છે ત્યારે બધા જ પક્ષો તેમની તૈયારીમાં લાગી ગયા છે. ચૂંટણી પ્રચાર માટે બધા જ પક્ષોને ભંડોળની જરૂર પડે છે અને વર્તમાન સમયમાં ચૂંટણી ભંડોળ મેળવવામાં સ્વાભાવિક જ શાસક પક્ષ ભાજપ ટોચના ક્રમે છે. જોકે, આશ્ચર્યજનક રીતે ચૂંટણી ભંડોળ મેળવવામાં તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવનો બીઆરએસ પક્ષ બીજા ક્રમે છે તેમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના વર્ષ ૨૦૨૨-૨૩ના એક અહેવાલમાં જણાવાયું છે.
ચૂંટણી દાન સ્વરૂપે સૌથી વધુ રકમ ભાજપને મળી છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પ્રુડેન્ટ ચૂંટણી ટ્રસ્ટે ભાજપને રૂ. ૨૫૬.૨૫ કરોડનું દાન આપ્યું છે. આ ટ્રસ્ટે વર્ષ ૨૦૨૧-૨૨માં ભાજપને રૂ. ૩૩૬.૫૦ કરોડનું દાન આપ્યું હતું. ભાજપને ૨૦૨૨-૨૩માં સમાજ ચૂંટણી ટ્રસ્ટે રૂ. ૧.૫૦ કરોડનું દાન કર્યું છે. આ ટ્રસ્ટે કોંગ્રેસને રૂ. ૫૦ લાખનું દાન આપ્યું છે. પ્રુડેન્ટે ૨૦૨૨-૨૩માં ભાજપ ઉપરાંત બીઆરએસ, વાયએસઆર-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પણ દાન કર્યું છે.