બિપરજોય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાઈને આગળ વધી ગયું છે. તેના લીધે જખૌ પોર્ટ સહિત કચ્છની નજીકના મોટાભાગના વિસ્તારો પર તેની માઠી અસર જોવા મળી હતી. મધરાત્રે આ વાવાઝોડું પાકિસ્તાનની સરહદ સુધી પહોંચી ગયું હતું. વાવાઝોડાંની અસર અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપતાં રાજ્ય સરકારના રાહત કમિશનરે તમામ પ્રકારની વિગતો આપી હતી.
કચ્છમાં વાવાઝોડાંને લીધે 4 ઈંચ વરસાદ ખાબક્યો
રાહત કમિશનરે આપેલી માહિતી અનુસાર કચ્છમાં માત્ર 2 કલાકના ગાળામાં 78 મિ.મી. એટલે કે આશરે 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જોકે હજુ પણ કચ્છમાં વરસાદ પડી રહ્યો હોવાની માહિતી અપાઈ હતી. રાહત કમિશનરના જણાવ્યાનુસાર 240 જેટલા ગામડાઓને અસર થઇ હતી. જ્યાં વીજળીના થાંભલા, વૃક્ષો ધરાશાયી થઈ જવા જેવી ઘટનાઓ બની હતી.
524 વૃક્ષો ધરાશાયી, 22 લોકોને ઈજા
માહિતી અનુસાર વાવાઝોડાને લીધે આશરે 524 વૃક્ષો પડી ગયા હતા જેમાં દ્વારકામાં 73 વૃક્ષો પડ્યા હતા. અત્યાર સુધી વાવાઝોડાને લીધે 22 જેટલા લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. રાહત કમિશનરના જણાવ્યાનુસાર હવે આ વાવાઝોડું દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધ્યું છે અને કચ્છ તથા સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેશે. તેમણે જણાવ્યું કે લેન્ડફોલ વખતે પવનની ઝડપ 118 કિ.મી. પ્રતિકલાક રહી હતી. તેમના અહેવાલ અનુસાર કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી છે.