દર મહિનાની પહેલી તારીખે નિયમમાં ફેરફાર થાય છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડે છે. આજથી શરુ થતા ફેબ્રુઆરી મહિના ઘણા ફેરફાર જોવા મળશે. દેશના નાણાકીય આયોજન માટે દર વર્ષે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે. આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. આ સાથે 5 નાણાકીય નિયમોમાં ફેરફાર પણ જોવામાં આવશે. જેમાં LPG ની કિંમતમાં વધારો, FASTag eKYC કરાવવા માટે એક મહિનાનો વધુ સમય આપવા જેવા ફેરફાર થયા છે. જોઈએ આ ફેરફાર....
1. LPGની કિંમતમાં વધારો
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં બજેટના દિવસે એલપીજી સિલિન્ડરના 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 14 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. જેની કિંમત 1755.50 રૂપિયાથી વધીને 1769.50 રૂપિયા કરવામાં આવી છે.
IMPS મની ટ્રાન્સફર
હાલના સમયમાં એક બેંક એકાઉન્ટમાંથી બીજા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે હવે બેંક જવાની જરૂર નથી. જેમાં સેકન્ડોમાં જ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. પૈસા ટ્રાન્સફર કરવા માટે IMPS પણ એક સારો વિકલ્પ છે. હવે 1 ફેબ્રુઆરી, 2024 થી, યુઝર ફક્ત રિસીવરનો મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ નામ ઉમેરીને પૈસા ટ્રાન્સફર કરી શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર, આ નિયમ પછી, પૈસા ટ્રાન્સફર કરવા માટે IFSC કોડની જરૂર રહેશે નહીં.
3. NPS ઉપાડ
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ જાન્યુઆરીમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે. આમાં હવે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ 25 ટકા રકમ ઉપાડી શકાશે નહીં. આ સિવાય PFRDA એ નિર્દેશ આપ્યો છે કે હવે ગ્રાહકો ઘર ખરીદવા અથવા બાંધકામ માટે જ આંશિક ઉપાડ કરી શકશે. આ નિયમ 1 ફેબ્રુઆરી 2024 એટલે કે આજથી લાગુ થશે.
4. FASTag eKYC
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ કહ્યું હતું કે KYC વગરના તમામ ફાસ્ટેગ 31 જાન્યુઆરી પછી ડીએક્ટીવ થઈ જશે. પરંતુ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 1.27 કરોડમાંથી માત્ર 7 લાખ ફાસ્ટેગ બંધ કરવામાં આવ્યા છે. તેથી, આ સમયમર્યાદા વધુ એક મહિનો લંબાવવામાં આવી છે. NHAI અનુસાર, લોકોને RBIની માર્ગદર્શિકા અનુસાર ફાસ્ટેગનું KYC પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
5. સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ 2023-24 માટે સોવરિન ગોલ્ડ બોન્ડનો છેલ્લો હપ્તો બહાર પાડશે. આ સિરીઝ 12મી ફેબ્રુઆરીએ ખુલશે અને 16મી ફેબ્રુઆરીએ બંધ થશે. છેલ્લી સિરીઝ 18 ડિસેમ્બર 2023ના રોજ ખુલી હતી. આ સિરીઝમાં સોનાની કિંમત 6,199 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી હતી.