શેલાની માઇકા ઈન્સ્ટિટ્યુટમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવક પ્રિયાંશુ જૈનની હત્યાના કેસમાં પોલીસે આરોપીઓનો સ્કેચ જાહેર કર્યાના 24 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. આ હત્યારો પોલીસ કોન્સ્ટેબલ હોવાનો મોટો ખુલાસો થયો છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયા નામનો પોલીસકર્મી હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બાંચે વિરેન્દ્રસિંહ પઢેરિયાને ઝડપી પાડ્યો છે. મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર પોલીસકર્મીએ દારૂના નશામાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ હત્યા થઇ હતી જેની આસપાસ એક કિલોમીટરમાં કોઇપણ સીસીટીવી ન હતા. પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી માહિતીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું બ્લેક કારમાં આવેલી વ્યક્તિએ હત્યા કરી હતી. ત્યારબાદ વિરેન્દ્રસિંહ પઢેરિયા તેની કાર અવાવરૂ જગ્યાએ મૂકીને પંજાબ ભાગી ગયો હતો. પરંતુ પોલીસે એક પછી એક કડી જોડતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
ક્રાઈમ બ્રાન્ચ DCPના જણાવ્યા અનુસાર, 'આરોપી પોલીસકર્મી છે. કયા કારણથી આ થયું તે તપાસનો વિષય છે. આરોપી કસ્ટડીમાં આવશે ત્યારે તેની પૂછપરછ બાદ ખુલાસો થશે. આરોપી ક્યાં છે તેના ઈનપુટ મળ્યા હતા અને બાતમીદારો તેને ઓળખી કઢ્યો હતો. બાદમાં તેની ખરાઈ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપી લેવાયો છે. અદાવત રાખીને કે કોઈને સાથે મળી હત્યા કરી હોય તેવું જણાતું નથી.'