લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન આખરે પૂરું થઇ ગયું. જ્યારે આ વખતે મોટાપાયે ગુજરાતની ચૂંટણીમાં પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિયોની ટિપ્પણીને લઈને થયેલો વિવાદ ચગ્યો. જોકે હવે ચૂંટણી પત્યા બાદ રૂપાલાએ ભલે રાહતના શ્વાસ લીધા હશે કેમ કે તેમની ઉમેદવારી રદ ન થઇ અને મતદાન પણ થયું. જોકે હવે ચૂંટણી બાદ રુપાલાએ પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આ વખતની ચૂંટણી તેમના માટે કેવી ગુજરી તેના વિશે વાતો કરી હતી.
પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોના વિરોધને લઈને પ્રેસ કોન્ફરન્સમાં મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ વખતની લોકસભા ચૂંટણીમાં જે રીતે વિરોધ થયો તે માટે હું જ જવાબદાર છું. મારા કારણે પાર્ટીને ખૂબ નુકસાન થયું છે. મારા માટે આ કપરો સમય વીત્યો. આ સાથે રૂપાલાએ મિચ્છામી દુક્કડમ કહેતા ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માગી હતી. હું મારા નિવેદનને લઈને શર્મિંદા છું. મારે આવી ટિપ્પણી કરવાની જરૂર નહોતી. આખી ઘટનાનો કેન્દ્ર બિંદુ હું રહ્યો છું.