છેલ્લા એક પખવાડિયાથી અદાણી જૂથની કામગીરી, તેના શેરમાં દોઢ વર્ષમાં આવેલા જંગી ઉછાળા અને પ્રમોટર અને તેના સહયોગીઓ દ્વારા શેરના ભાવ ઊંચા રહે તે અંગે અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોએ એક મોટો વિવાદ ઉભો કર્યો છે. અમદાવાદ સ્થિત ગૌતમ અદાણી જૂથની કંપનીઓ, તેની આવક, નફા શક્તિ અને જંગી દેવા અંગે શેરબજારથી સંસદ સુધી સવાલ ઉઠી રહ્યા છે. ક્રેડીટ રેટિંગ એજન્સીઓ અને રીઝર્વ બેંક દ્વારા બેન્કિંગ સિસ્ટમ ઉપર જોખમ નથી એવી હૈયાધારણા લોકોને આપવામાં આવી છે. પણ અદાણી જૂથની કંપનીઓને આટલી જંગી માત્રામાં લોન કેવી રીતે મળે, અનસિક્યોર્ડ લોન કેવી રીતે મળે એ પ્રશ્ન સામાન્ય લોકોના મનમાં ઉઠી રહ્યો છે.