પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે, અબુ ધાબીના શાસકોની ઉદારતાથી,યુનાઈટેડ આરબ એમીરેટ્સની રાજધાની અબુધાબી ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનથી, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પુરુષાર્થથી નિર્મિત બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અબુધાબીએક વર્ષથી ઓછા સમયમાં વિશ્વભરના 20 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષિત કરી ચૂક્યું છે, જે વૈશ્વિક સ્તરે મંદિરને સાંપડેલ અપાર પ્રશંસા, આદર અને સમર્થન દર્શાવે છે.
13 જાન્યુઆરીના રોજ અબુ ધાબીના બી.એ.પી.એસ. હિન્દુ મંદિરમાં 'એકતા, વિવિધતા અને સંવાદિતા'ની થીમ અંતર્ગત વિશિષ્ટ ઉજવણીમાં વિશ્વભરના 20 થી વધુ દૂતાવાસોના ડિફેન્સ એટેચીઓ, પરિવારો અને મહાનુભાવો સામેલ થયા હતા.આ કાર્યક્રમમાં ભારત, બેલ્જિયમ, કેનેડા, કોમોરોસ ટાપુ, ઝેક રિપબ્લિક, ડેનમાર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, ઇટાલી, જાપાન, નેધરલેન્ડ, કોરિયા, મોઝામ્બિક, ટાંઝાનિયા, સર્બિયા, સ્વિટ્ઝર્લૅન્ડ વગેરે દેશોના સંરક્ષણ એટેચીઓ સાથે વિભિન્ન રાષ્ટ્રીયતાઓ અને સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતાં અનેક લોકોએ હાજરી આપી હતી, જે આંતર-સાંસ્કૃતિક સંવાદ અને સમજણને પ્રોત્સાહન આપવા માટે મંદિરની ભૂમિકા અને પ્રભાવને દર્શાવે છે.બી.એ.પી.એસ. ટ્રસ્ટી બોર્ડના સભ્યો અને સ્વયંસેવકો દ્વારા આમંત્રિત પ્રતિનિધિઓનું પારંપરિક રીતે પુષ્પહાર તથા પુષ્પગુચ્છ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
"વસુધૈવ કુટુંબકમ - સમગ્ર વિશ્વ એક પરિવાર છે" ના વૈશ્વિક સંવાદિતાના સંદેશને પ્રવાહિત કરતા આ મંદિરમાં પ્રતિનિધિઓએ 'ડ્યુન ઓફ પ્રેયર' ની મુલાકાત લીધી હતી, જે 1997 માં પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના આ મંદિર માટે કરેલાં ઐતિહાસિક સંકલ્પ અને પ્રાર્થનાનું પ્રતીક છે. સર્વે પ્રતિનિધિઓએ અહીં વિશ્વશાંતિ અને સર્વેની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ત્યારબાદ મંદિરની અદ્ભુત સર્જન યાત્રાને દર્શાવતા 'ધ ફેરી ટેલ' ઇમર્સિવ શો નિહાળીને સૌ પ્રતિનિધિઓ મંત્રમુગ્ધ થયા હતા. 20 વિડીયો પ્રોજેક્ટરના ઉપયોગ દ્વારા, અદ્યતન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે ચારેય દિવાલો અને ફ્લોર પર થતા પ્રોજેકશન સૌને મંદિરની રોમાંચક નિર્માણ ગાથાનો અવિસ્મરણીય અનુભવ કરાવે છે.'ફેરી ટેલ' શો બાદ, એક કલાકાર દ્વારા મંદિરને ઉદારતાથી દાનમાં આપવામાં આવેલા ઝેક રિપબ્લિકના 6,500 વર્ષ જૂના સબ-ફોસિલ ઓક્સ વૃક્ષના અવશેષો નિહાળીને સૌ વિસ્મિત થઈ ગયા હતા.
મંદિરના અનુપમ સ્થાપત્ય અને અત્યંત વિસ્તૃત કલા-કારીગરી અને બારીક નકશીકામ નિહાળીને સૌ મહાનુભાવો અભિભૂત થયા હતા, તેમજ આ સમગ્ર સ્થાપત્ય દ્વારા ઉજાગર થતા આધ્યાત્મિક ઉન્નતિ, સાંસ્કૃતિક મૂલ્યોના જતન અને સામાજિક સેવાના સંદેશને સૌએ આત્મસાત કર્યો હતો.મંદિરની અંદર પ્રતિનિધિઓએ પ્રાર્થના કરી હતી, સાથે સાથે મંદિરના આગળના ભાગ પર અદભુત રીતે કોતરવામાં આવેલી વિશ્વની પ્રાચીન સભ્યતાઓની વિવિધ મૂલ્ય- વાર્તાઓને નિહાળીને અહોભાવ વ્યક્ત કર્યો હતો.
મંદિરમાં પર્યાવરણીય જાગરૂકતા- સસ્ટેનિબિલિટીના પ્રતીક ' ધ ઓર્ચાર્ડ' માં સાંજના કાર્યક્રમનું સમાપન કરતામંદિરના મુખ્ય સંત પૂ.બ્રહ્મવિહારીદાસ સ્વામીએ તેઓના સંબોધનમાં કહ્યું: "અબુ ધાબીમાં બી.એ.પી.એસ. હિન્દુ મંદિર ભગવાન અને માનવતા પ્રત્યેના આપણા ઊંડા પ્રેમને, વૈશ્વિક સંવાદિતા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને તેમજ સંઘર્ષરત લોકોમાં પણ ધરબાયેલી શાંતિની ઝંખનાને પ્રતિબિંબિત કરે છે. વિશ્વમાં અનેક પુષ્પો, ચહેરાઓ અને જાતિઓની વિશાળ વિવિધતા આપણી તે માન્યતાને મજબૂત બનાવે છે કે - જેમણે આ સૃષ્ટિનું, આપણાં સૌનું સર્જન કર્યું છે તે પણ ‘વૈવિધ્યમાં એક્તા’માં માને છે."
તેમણે એ બાબત પર પણ ભાર મૂક્યો કે આ પૃથ્વી પર જીવન કરતાં વધુ પવિત્ર કશું નથી, કોઈ પણ રાષ્ટ્રનું સાચું મૂલ્ય તે જેવા લોકોનું નિર્માણ કરે છે તેના દ્વારા નક્કી થાય છે. ઇતિહાસમાંથી પ્રેરણા લઈને, વ્યક્તિગત ઉન્નતિ માટે ત્રણ બાબતો પર ભાર મૂકતાં જણાવ્યું: પ્રથમ, લોકોને જીતો, યુદ્ધો નહીં; બીજું, હૃદયથી બોલો; અને ત્રીજું, આપણે જે વચનો આપીએ છીએ તેનું પાલન કરો.
પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ, મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો મંદિર નિર્માણમાં તેમની ઉદારતા અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આપણે ફક્ત આપણા પોતાના હિત માટે જ નહીં, પરંતુ વધુ સારા, વધુ શાંતિપૂર્ણ વિશ્વ માટે, અને વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વધુ સ્થિરતા લાવવા માટે, સકારાત્મક વિચારસરણી દ્રઢ કરવી જોઈએ.
પોતાના વક્તવ્યના સમાપનમાં, તેમણે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો:
સકારાત્મક બનો - તે મંદિરનો સાર છે; સુમેળભર્યા બનો - તે માનવતાનો મુખ્ય સંદેશ છે; અને મિત્રતાપૂર્ણ વ્યવહાર કરો.
કેપ્ટન હરપ્રીતસિંહ લુથરાએ તેમના આભાર પ્રસ્તાવમાં, ભારત-યુએઈની મિત્રતાના પ્રતીક અને બંને રાષ્ટ્રો વચ્ચેના સાંસ્કૃતિક સેતુ એવા આ ઐતિહાસિક મંદિરને અત્યાર સુધી વીસ લાખ મુલાકાતીઓને આવકારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ મંદિરની મુલાકાતે પધારેલા મહાનુભાવોના ઉદગારોની અલ્પ ઝાંખી અહીં પ્રસ્તુત છે:
કાલે ગ્લેઇકર, કેનેડા: આ મંદિર ખૂબ જ સુંદર છે. કોઈ પણ ધર્મની વ્યક્તિને જ્યાં ઉષ્માપૂર્ણ આવકાર છે, એવું આ ફક્ત પથ્થરમાંથી નિર્મિત અને સુંદર કોતરકામથી યુક્ત મંદિર શક્તિશાળી સ્થાપત્યનો અનુભવ કરાવે છે.આ મંદિર એટલું સુંદર છે કે લોકોને તેમની ધાર્મિક આસ્થા કે માન્યતાને ધ્યાનમાં લીધા વિના અહીં મુલાકાત લેવા માટે મજબૂર કરી દે તેવું સ્થાન છે. આ મંદિર સૌ મુલાકાતીઓને તેઓનો દૃષ્ટિકોણ બદલવામાં અને વિવિધ ધર્મો અને વિવિધ સંસ્કૃતિઓને સમજવામાં મદદ કરશે. તેમાંથી એક સંદેશ છે - વિવિધ લોકો, વિવિધ સંસ્કૃતિઓ અને વિવિધ દ્રષ્ટિકોણની સહિષ્ણુતા.
નિકોલાઈ એબિલ્ડગાર્ડ, ડેનમાર્ક: મેં મંદિરની મુલાકાતમાં ખૂબ આનંદ માણ્યો. આ મુલાકાતમાંથી હું જે મુખ્ય પ્રેરણા લઈશ તે એ છે કે સહિષ્ણુતાને પોષવી જોઈએ. હું ક્યારેય એવી જગ્યાએ ગયો નથી જ્યાં આટલી બધી સકારાત્મક ભાવના અને સહિષ્ણુતાની ભાવના અનુભવાતી હોય. ખરેખર ભવ્ય!
નિકો હૂર્નાર્ટ, ડેનમાર્ક: મંદિરની પ્રભાવશાળી ડિઝાઇન અને સમગ્ર પરિસર ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આધ્યાત્મિક સારને પ્રતિબિંબિત કરે છે. હજારો લોકો દ્વારા સાથે મળીને કાર્ય કરવાના પરિણામરૂપે નિર્મિત આ મંદિરની રચનાદર્શાવે છે કે - "તમે એકલા કશુંક પ્રાપ્ત કરી શકો, પરંતુ સહકારથી અનેકગણી પ્રગતિ કરી શકો છો."
તાઈક યેઓ, કોરિયા: જ્યાં વિવિધ ધર્મો સુમેળ સાધી શકે છે તેવા આ સ્થાનમાં આવવાનું મને ગૌરવ છે. આજે મને લાગ્યું કે અહીં હિન્દુ મંદિરમાં આવીને મેં મારી 'આધ્યાત્મિક ઉડાન' ભરી!
તાકાયુકી કુબો, જાપાન: અમારો અનુભવ ખરેખર અદ્ભુત રહ્યો. અમને આયોજકોના હૂંફાળા આતિથ્યનો અનુભવ થયો, એટલું જ નહિ પરંતુ સર્વે પ્રતિનિધિઓમાં એકતાની શક્તિશાળી ભાવના અનુભવી, જે વાસ્તવમાં મંદિરની ફલશ્રુતિ હતી.
શ્રીમતી એન્ડ્રીયા રુસો, ઇટાલી: પ્રતીકાત્મક ' ધ વૉલ ઓફ હાર્મની ' સૌને એકતાનો અનુભવ કરાવે છે. એ જાણીને મને ગૌરવની લાગણી થાય છે કે મંદિરનો આંતરિક ભાગ ઇટાલિયન આરસપહાણનો બનેલો છે. આ નિર્જીવ પથ્થરોમાં અદ્ભુત કોતરણીએ તેમને જીવંતતા બક્ષી દીધી છે!
સુઝાન સ્ટેઈનર, સ્વિટ્ઝર્લૅન્ડ: આ મંદિર એક ભવ્ય રચના છે, મને એ સ્પર્શી ગયું કે મંદિરની પ્રત્યેક રચના, દરેક વિગત સંવાદિતાનો સંદેશ આપે છે.
રીટા રેમેલી, સ્વિટ્ઝર્લૅન્ડ: હું ઈચ્છા રાખું છું કે મારું નવજાત બાળક સુરક્ષિત રીતે દુનિયામાં આવે, હું તેની સારી માતા બની શકું અને તેને પણ સંવાદિતા માટે સંદેશવાહક બનાવી શકું! હું નિયમિતપણે અહીં ' પીસ ડોમ ' નીચે બેસીને ધ્યાન કરવા અને મારા મનને શુદ્ધ કરવા આવીશ!
કાર્યક્રમના અંતમાં સૌ પ્રતિનિધિઓએ સ્વયંસેવકો દ્વારા ઘરે બનાવેલા ભારતીય શાકાહારી વાનગીઓના ભોજનનો લાભ લીધો હતો.