મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે પીડિત પક્ષ તરફથી સીબીઆઇ તપાસની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. બીજી બાજુ, આ કેસમાં હાઈકોર્ટ દ્વારા કોર્ટની સહાય માટે નીમાયેલા બે તટસ્થ અને નિષ્પક્ષ વકીલ એવા કોર્ટ કમિશનર તરફથી પીડિતોને વ્યકિતગત રીતે મળીને તેમની જે વ્યથા કે સમસ્યા હતી તે સહિતની વિગતો સાથેનો બે ભાગમાં વિગતવાર અહેવાલ સીલબંધ કવરમાં હાઈકોર્ટના રેકર્ડ પર રજૂ કરાયો હતો.