રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે રૂ.૨૩૨ કરોડના ખર્ચે જિલ્લાકક્ષાની નવીન હોસ્પિટલનું નિર્માણ કરાશે. આ માટે રૂ. ૯૭.૫૦ લાખની જોગવાઈ પણ કરાઇ છે.
વિધાનસભા ખાતે પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાની હોસ્પિટલ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રી પટેલે કહ્યું કે, ભાવનગર જિલ્લામાં જિલ્લા મથકે સર-ટી હોસ્પિટલ ખાતે સુપર સ્પેશ્યાલિટી સગવડો સાથે સારવાર પૂરી પાડવામાં આવે છે. તેમજ જિલ્લામાં બે પેટા જિલ્લા હોસ્પિટલ, ૧૩ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને ૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. પાલીતાણા ખાતે નિર્માણ થનાર જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં ૪૨૪ પથારીની સંખ્યા ઉપલબ્ધ થશે.