હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ છવાયો છે. તમામ રાજકારણ પક્ષનાં દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે AIMIMનાં અસદુદ્દીન ઓવૈસી પણ વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન ઓવૈસી અને તેમના સાથીદારો અમદાવાદથી સુરત જે ટ્રેનમાં જઈ રહ્યા હતા તે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ દાવો AIMIM નેતા વારિસ પઠાણે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરીને કર્યો છે. નોંધનીય છે કે, સુરત આવવાનાં 20થી 25 કિલોમીટર પહેલા જ આ પથ્થર ફેંકાયો હતો.
AIMIMના પ્રવક્તા વારિસ પઠાણે આ અંગેની જાણ કરતા જણાવ્યુ કે, આજે સાંજે જ્યારે અમે અસદુદ્દીન ઓવૈસી અને AIMIMની ટીમ અમદાવાદથી સુરત માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં જઇ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ જોરથી પથ્થર મારીને ટ્રેનની બારીનો કાંચ તોડી નાંખ્યો હતો. તેમણે ટ્વિટ કરીને આ અંગે માહિતી સાથે તસવીરો પણ શેર કરી છે.