બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહેલી અને રીલિઝના પહેલા જ અઠવાડિયામાં ૧૦૦૦ કરોડની કમાણીનો વિક્રમ સર્જનારી પુષ્પા ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુનની હૈદરાબાદમાં ફિલ્મના પ્રિમિયર વખતે ભાગદોડ દરમિયાન એક મહિલાનું મોત થવાના કેસમાં ધરપકડ કરાતાં કોઈ ફિલ્મ જેવો હાઈ પ્રોફાઈલ ક્રાઈમ ડ્રામા સર્જાયો હતો. હૈદરાબાદ પોલીસે આ ભાગદોડ માટે અલ્લુ અર્જુનને પણ જવાબદાર ગણી તેની સામે કેસ નોંધ્યો હતો. અલ્લુ અર્જુને આ એફઆઈઆર રદ કરાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, આ અરજીની આજે સુનાવણી થાય તે પહેલાં જ હૈદરાબાદ પોલીસ અલ્લુ અર્જુનના ઘરે પહોંચી ગઈ હતી અને તેને પોલીસ મથકે લઈ આવીધરપકડ કરી હતી. એક તબક્કે અલ્લુ અર્જુનને સ્થાનિક કોર્ટે ૧૪ દિવસની અદાલતી ક્સ્ટડી પર રાખવાનો હુકમ જારી કરી દેતાં દેશવિદેશના તેના ચાહકો આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, એક જ કલાકમાં હાઈકોર્ટે અલ્લુ અર્જુનને એમ કહીને વચગાળાના જામીન આપ્યા હતા કે એક નાગરિક તરીકે એક્ટરને પણ મરજીથી જિંદગી જીવવાનો તથા મુક્ત રહેવાનો અધિકાર છે.