મ્યાનમારમાં સેનાના હેલિકોપ્ટરે એક શાળામાં ગોળીબાર કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર શાળામાં હાજર ઓછામાં ઓછા ૧૩ લોકોનાં મોત થયા છે જેમાં સાત વિદ્યાર્થાીઓ પણ સામેલ છે. આ શાળા એક બોદ્ધ મઠમાં સ્થિત હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગમાં ૧૭થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. કેન્દ્રીય સાર્ગેગ વિસ્તારમાં આવેલી શાળામાં સેનાએ હુમલો કર્યો હતો. સેનાના જણાવ્યા અનુસાર સ્કૂલમાં વિદ્રોહી છુપાયેલા હતાં.
સેનાના હુમલા પછી કેટલાક બાળકો તાત્કાલિક મૃત્યુ પામ્યા હતાં અને કેટલાક સૈનિક ગામમાં પ્રવેશ્યા ત્યારે માર્યા ગયા હતાં. શાળાથી ૧૧ કિમી દૂર આવેલા વિસ્તારમાં મૃતકોને દફનાવવામાં આવ્યા હતાં. સેના તરફથી દાવો કરવામાં આવ્યો છે કે પ્રથમ વિદ્રોહીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારબાદ સેનાએ ગોળીબાર કર્યો હતો. ગાવમાં લગભગ એક કલાક સુધી ગોળીબાર થયો હતો.