દેશમાં બેરોજગારીની સ્થિતિનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. એરપોર્ટ લોડર્સની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના ભરૂચ બાદ મુંબઈના કલિના વિસ્તારમાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસિઝ લિ. દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યૂમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતાં વ્યવસ્થા ખોરવાઈ હતી.
ઈન્ટરવ્યૂ માટે પહેલાં જવાની હોડમાં યુવાનોએ ધક્કામુક્કી કરતાં અફરાતફરી મચી હતી. એરપોર્ટ લોડર્સ અર્થાત હેન્ડીમેન એરપોર્ટ પર જાળવણી અને સમારકામનું કામ કરે છે. જેના ફોર્મ કાઉન્ટર પર જ ફોર્મ લેવા પડાપડી થઈ હતી. અરજદારો કલાકો સુધી ફૂડ અને પાણી વિના પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા.