લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચમાં બે ચૂંટણી કમિશનરોની જગ્યા ખાલી પડી હતી. જોકે, કેન્દ્ર સરકારે યુદ્ધના ધોરણે કામગીરી કરી ગુરુવારે ચૂંટણી કમિશનરના બંને પદો પર પૂર્વ આઈએએસ અધિકારીઓ જ્ઞાનેશ કુમાર અને સુખબિર સંધુની નિણમૂક કરી છે. નવા બે ચૂંટણી કમિશનરોની નિમણૂક થઈ જતા હવે લોકસભા ચૂંટણીની તારીખો અને કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગુરુવારે સવારે પેનલ સમિતિની બેઠકમાં બંને ચૂંટણી કમિશનરોની નિમણૂક કરાઈ હતી. જોકે, આ પસંદગી પ્રક્રિયા સામે પેનલ સમિતિના સભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા અધિર રંજન ચૌધરીએ વાંધો ઉઠાવ્યો હતો. પેનલ સમિતિની બેઠક પછી સત્તાવાર રીતે નવા ચૂંટણી કમિશનરોના નામ જાહેર થાય તે પહેલાં અધિર રંજન ચૌધરીએ નવા ચૂંટણી કમિશનરોના નામ જાહેર કરી દીધા હતા. તેમણે આ નિમણૂક પ્રક્રિયાને ઔપચારિક ગણાવી હતી.