ધીમંત પુરોહિત
અનિલ જોશી ગોરેગાંવના લોઢા ફ્લોરેન્ઝાનાં ૪૫મા માળે રહેવા આવ્યા ત્યારે હળવાશથી સૌને કહેતા કે આ બહુમાળી ટાવરની લીફ્ટમાં નીચેથી ઉપર જતા, જાણે ઉપર જવાની પ્રેક્ટીસ કરતો હોઉં એમ લાગે છે. વળી મારા ઘરની સામે જ આરે કોલોનીનું સ્મશાન છે. જો કે એમની આ મઝાક આટલી જલ્દી આપણને રડાવશે એ નહોતી ખબર.
‘મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી’ અને ‘કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે’ જેવા અમર ગીતોથી ગુજરાતીઓના લાડકા બનેલા કવિ અનિલ જોશીના ૮૫ વર્ષની ભવ્ય ઉજવણી હજી થોડા સમય પહેલા જ અમદાવાદમાં અમે કરેલી. બીલીવ ઈટ ઓર નોટ પણ જેમના કાવ્ય સંગ્રહો બીએ – એમએમાં ભણાવાય છે, એ કવિ પોતે જુનિયર કોલેજમાં ગુજરાતી વિષયમાં એક થી વધુ વાર નાપાસ થયેલા અને જેમ તેમ કરી જનતા ક્લાસમાં બીએ પાસ થયેલા! એમએમાં ઉમાશંકર જોશી જેવા સાક્ષરે બહુ મહેનત કરી પણ કવિ એમએ ના થયા તે ના જ થયા! કવિનું જીવન રોલરકોસ્ટર રાઈડ જેવું રોમાંચક, સંઘર્ષોથી ભરેલું હતું.
યુવાનીની ઉબડ ખાબડ કેડીઓમાં એક વેળા અનિલ જોશીએ કવિતાનો હાથ પકડી લીધેલો. જો કે આ બહુ મોટી વાત ના કહેવાય, ઘણા લોકો આમ કરતા હોય છે. મોટી વાત એ થઇ, કે પછી કવિતાએ અનિલ જોશીનો હાથ પકડી લીધો. કવિતા જ અનિલ જોશીને ગોંડલ – અમરેલીની ગલીઓમાં થઈને, અમદાવાદ લઇ આવી. એચ કે આર્ટસ કોલેજમાં એડમીશન મળવું અશક્ય હતું પણ કવિતાની લાગવગથી જ શક્ય બન્યું, કોલેજમાં એડમિશન ફૂલ થઇ ગયા પછી પણ ‘કુમાર’માં છપાયેલી એમની કવિતા જોઇને આચાર્ય યશવંત શુક્લે એમને ખાસ કેસમાં એડમીશન આપેલું. અને આમ કવિ કેડીમાંથી હાઈવે પર આવી ગયા. રમેશ પારેખના દોસ્તારને અમદાવાદમાં જ બીજા આજીવન દોસ્તો મળ્યા – રાજેન્દ્ર શુક્લ, લાભશંકર ઠાકર, ચિનુ મોદી અને ચંદ્રકાંત શેઠ. ઉમાશંકર જોશી જેવા ગુરુ પણ અહી જ મળ્યા.
હવે? બીએની ડીગ્રીની એ વખતે પણ બહુ કિંમત નહોતી. કવિતાઓ તો ધોધમાર આવતી હતી પણ નોકરીના નામે દુકાળ. પિતા રમાનાથ જોશી બહુ મોટા શિક્ષણાધિકારી. દીકરાની દશા જોઇને કહ્યું, “અનિલ કવિતાથી ઘરના ચાલે.” અને અનિલ જોશીએ મુંબઈની વાટ પકડી. કવિની કવિતાને અહી મોટો મંચ મળ્યો. કામ પણ કવિતાની ભલામણથી જ મળ્યું. બાળ ઠાકરેએ બધા નિયમો ચાતરીને માત્ર બીએ પાસ કવિને મુંબઈ મ્યુનીસીપલ કોર્પોરેશનની શાળાઓના લેન્ગવેજ ઓફિસર બનાવ્યા.જે પોસ્ટ પર વર્ષો પહેલા મણીલાલ નભુભાઈ દ્વિવેદી જેવા વિદ્વાન હતા. સરકારી મકાન પણ આપ્યું. ઔર જીને કો ક્યા ચાહિયે! મુંબઈએ કવિના બધા સપના સાકાર કર્યા.
કવિના પિતા રમાનાથ જોશી હવે ગુજરાતના શિક્ષણ મંત્રી મનુભાઈ પંચોલી - દર્શકના સચિવ હતા. એકવેળા મંત્રીની કેબીનની બહાર એ બેઠા હતા, ત્યાં મંત્રીની વાતચીત એમને કાને પડી. “આ નવો છોકરો શું કવિતા કરે છે - ‘મારી કોઈ ડાળખીને પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો’. શું નામ છે એનું, અનિલ કે એવું જ કૈક છે.” રમાનાથ જોશીની આંખો ભીની થઇ ગઈ આ વાત સાંભળીને. આંખ લુછીને એ અંદર ગયા અને મંત્રીશ્રીને કહ્યું, કે આપ જે કવિની વાત કરો છો, એ મારો દીકરો છે. એક બાપ માટે આનાથી વધુ ગૌરવશાળી ક્ષણ બીજી કઈ હોઈ શકે! અને દીકરા માટે પણ!
કેટલાક સર્જક બહુ સારા કવિ હોય છે અને કેટલાક બહુ સારા લેખક, પણ કાવ્ય અને ગદ્ય બંને ક્ષેત્રે સરખા શ્રેષ્ઠ હોય એવા સવ્યસાચી સાહિત્ય ક્ષેત્રે બહુ ઓછા હોય છે. અનિલ જોશી એમાંના એક વિરલ સર્જક હતા, જેમને ગુજરાતીઓએ દિલ ફાડીને ચાહ્યા છ. અનિલ જોશીને મન કાવ્ય એમનું હવાઈ દળ અને ગદ્ય પાય દળ. આપણે ભલે એમને બહુ મોટા સર્જક માનીએ, કવિ તો પોતાને બ્રહ્માંડમાં પથરાયેલા વિરાટ મૌનના અનુવાદક જ માનતા.
કવિ તંત્રી હરીન્દ્ર દવેએ એકવાર અનિલ જોશીને કહ્યું, કે “અમારા ‘જનશક્તિ’માં તમે કાંક લખો.” અનિલ જોશીએ વિવેકપૂર્વક ના પાડી, કે “હું તો કવિ છું, કવિતા લખું, મારાથી છાપામાં લેખ કઈ રીતે લખાય.” લો બોલો, છાપામાં કોલમ લખવા તો કેવા કેવા ખેલ થાય છે. કટાર લેખકોના કેવા માનપાન, મોભો, અને મૂલ્ય. કોલમ વગરનો નાથિયો અને કોલમે નાથાલાલનાં અસંખ્ય ઉદાહરણો છે, આપણે ત્યાં. કોલમને ગાંગડે પદ્મશ્રી થયેલાના પણ દાખલા છે અને આપણા કવિ કોલમનું નિમંત્રણ પાછું ઠેલી આવ્યા. કવિ અનિલ જોશીને અલગારી કવિ અમસ્થા નથી કહેતા.
કવિ તો આ વાત ભૂલી પણ ગયા, પણ હરીન્દ્ર દવે આ મામલે ગંભીર હતા. એમણે અઠવાડિયા પછી ફોન કરીને ઉઘરાણી કરી, કે “લેખનું ટાઈટલ બોલો, મારે બ્લોક બનાવવો છે.” કવિએ ફોન પર જ લખાવ્યું, “વસંત એટલે ભૂલ કરવાની ઋતુ” અને આમ આપણને ગુજરાતીમાં વધુ એક ઉત્કૃષ્ટ ગદ્ય લેખક મળ્યા. વસંતની એક ભૂલથી શરુ થયેલો સિલસિલો વાયા ‘સ્ટેચ્યુ’ અને આત્મકથા ‘ગાંસડી ઉપાડી શેઠની’ થઇ, આજે ‘વાતવિસામો’ સુધી પહોચ્યો.
હરીન્દ્ર દવે ‘જનશક્તિ’માંથી ‘જન્મભૂમિ’માં ગયા તો અનિલ જોશીને પણ ત્યાં લઇ ગયા અને વાચકોને કવિતા અને ગીતોની જેમ જ અનિલ જોશીના લેખોનું પણ બંધાણ થવા માંડ્યું. ફૂલછાબમાં કૌશિક મહેતા અને જન્મભૂમિ ગ્રુપમાં કુંદન વ્યાસ હરીન્દ્ર દવે જેટલા જ પ્રેમ અને હકથી કવિ પાસે લખાવતા રહ્યા.
બાદમાં હસમુખ ગાંધી અનિલ જોશીને નવા શરુ થયેલા ‘સમકાલીન’માં લઇ ગયા. જ્યાં અનિલ જોશીમાનો પત્રકાર પણ પૂરબહારમાં ખીલ્યો. એક જૈન મુનિના સેક્સ કાંડ પર અનિલ જોશીએ એવી તો ધારદાર કલમ ચલાવી, કે જૈનો જેવી અહિંસક પ્રજા હિંસક બની અને અનિલ જોશીને મોતની ધમકીઓ મળવા માંડી. ત્યારે મહારાષ્ટ્ર સરકારે અનિલ જોશીને પોલીસ પ્રોટેક્શન આપવું પડ્યું. જો કે કવિ સંમેલનોમાં પોલીસ પ્રોટેક્શન સાથે જવું કવિને અડવું લાગતા આખરે એમણે પોતે જ પોલીસ પ્રોટેક્શન સરકારને પાછું આપ્યું.
‘સમકાલીન’માં જ બીજો એવો યાદગાર પ્રસંગ ‘સેક્સ પર સેમીનાર’નો છે. મુંબઈના સેમિનાર પ્રેમી ગુજરાતીઓએ એમનાં ગમતા વિષય સેક્સ પર એક સેમિનાર રાખેલો. જેમાં મોટા મોટા પણ વસુકી ગયેલા લેખકો એ વિષયના નિષ્ણાત વક્તા હતા. આપણા કવિને એક જેન્યુઈન મુદ્દો એ ખૂંચ્યો, કે સેક્સ વિશેના સેમિનારમાં બધા વક્તા પુરુષો જ કેમ? સ્ત્રીઓ કેમ નહિ? વળી આમાં ઓથોરીટી તો કમાટીપુરાની સેક્સ વર્કરની ગણાય. આ બધા સેમિનારમાં કેમ નહિ? એમણે પોતાની કોલમમાં એ હેડીંગ સાથે લખ્યું, કે ‘ગુજરાતીઓ સેક્સની બાબતમાં સ્વનિર્ભર’ . આ લેખ સેમિનારના દિવસે સવારે જ પ્રગટ થયો અને સ્વાભાવિક જ સાંજે સેમિનારની કસુવાવડ થઇ ગયેલી!
‘સમકાલીન’માં કવિની ત્રણ-ત્રણ કોલમો ‘એકલવ્યનો અંગુઠો’, આપણો ઘડીક સંગ’ અને ‘પ્રભાતિયાં’ એટલી પોપ્યુલર હતી, કે એક વખતે એક ગંભીર અકસ્માતમાં કવિને લાંબો સમય હોસ્પીટલમાં પથારીવશ રહેવું પડ્યું ત્યારે સમકાલીન તંત્રી હસમુખ ગાંધી પોતાનો રિપોર્ટર હોસ્પિટલ મોકલી કવિ પાસે ડીકટેશન લેવડાવીને પણ કોલમ નિયમિત છાપતા.
‘મુંબઈ સમાચાર’માં પિન્કી દલાલનાં તંત્રીપદે કવિની ડેઈલી કોલમ ‘કોફી હાઉસ’ પણ એટલી જ ચર્ચામાં રહી. જેમાં કવિ પોલીટીકલ વિષયો પર પણ ચાબખા ચલાવતા. એ વખતે એવું બધું લખી શકાતું અને છપાતું પણ. ‘દિવ્ય ભાસ્કર’માં ભરત કાપડિયા, અજય ઉમટ અને કૃષ્ણકાંત ઉનડકટે ‘કાવ્ય વિશ્વ’અને‘ભાવ વિશ્વ’ કોલમો લખાવી, જેમાં કવિની સર્જકતાના શિખરો વાચકોએ માણ્યા.
કવિને ગદ્યલેખક તરીકે યશસ્વી સ્થાન અપાવનારા નિબંધ સંગ્રહ ‘સ્ટેચ્યુ’નાં નિબંધો ઘનશ્યામ દેસાઈએ ‘નવનીત સમર્પણ’માં લખાવેલા. એ જ ‘નવનીત સમર્પણે’ દીપક દોશીના તંત્રીપદે કવિની યાદગાર આત્મકથા આપી. હિન્દી ‘નવનીત’નાં તંત્રી વિશ્વનાથ સચદેએ કવિ પાસે હિદીમાં પણ કવિતાઓ લખાવી.
જીવનના નવમાં દાયકે પહોચેલા કવિ હવે કોલમમુક્ત હતા, પણ સોશ્યલ મીડિયામાં સક્રિય. ફેસબુક પર એમની પોસ્ટ્સ રોજ લાખો લોકો સુધી દેશ અને વિદેશમાં પહોચે હતી.
કવિની લોકપ્રિયતા ટોચ પર હતી, ત્યારે મુંબઈના બેતાજ બાદશાહ બાળ ઠાકરેએ મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય અકાદમીમાં ઉપાધ્યક્ષપદે કવિની નિમણુક કરી હતી. જે એક પ્રતિષ્ટિત હોદ્દો ગણાય. બાદમાં સાહિત્ય અકાદમીના એક કાર્યક્રમમાં બાળ ઠાકરે પોતાના સ્વભાવ પ્રમાણે બોલી ગયા, કે મહારાષ્ટ્રના સાહિત્યકારો બીકાઉ બૈલ છે. જેના વિરોધમાં મરાઠી સાહિત્યકારોએ રાજીનામાં આપી દીધા. આપણા કવિ અનિલ જોશીએ પણ રાજીનામું આપ્યું. બાળ ઠાકરેને એની ખબર પડતા એમણે કવિને અંગત રીતે બોલાવીને પૂછ્યું, કે તમે કેમ રાજીનામું આપ્યું? કવિએ શબ્દો ચોર્યા વિના કીધું કે, ‘હું બીકાઉ બૈલ નથી. મારે મન સરકારી પદ કરતા તુકારામનું પદ વધારે મોટું છે.’ ઠાકરે આ સાંભળીને પહેલા તો તમતમી ગયા, પછી ખડખડાટ હસી પડ્યા અને કવિની પીઠમાં ધબ્બો મારીને કહ્યું, ‘તમે ગુજરાતી કવિ લાગતા નથી!’
Mobile: 9879810101