ગોળ ધાણા અને ચુંદડી વિધિ બાદ બંનેએ એકબીજાને રિંગ્સ પહેરાવી
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ આજે અંબાણી નિવાસમાં પરિવાર, મિત્રોની હાજરીમાં પવિત્ર પરંપરાઓનું અનુસરણ કરવાની સાથે ઔપચારિક રીતે સગાઈ કરી છે.
ગુજરાતી હિંદુ પરિવારોમાં પેઢીઓથી અનુસરવામાં આવે છે એવી ગોળ ધાણા અને ચુંદડી વિધિ જેવી વર્ષો જૂની પરંપરાઓ કૌટુંબિક મંદિર અને નિવાસસ્થાનના સમારંભ યોજવાના સ્થળે ખૂબ જ ઉત્સાહથી નિભાવવામાં આવી હતી, આ ઉપરાંત પરિવારોએ એકબીજાને ભેટો અને શુભેચ્છાઓની આપ-લે સાથે અનહદ આનંદ પણ વહેંચ્યો હતો. અનંતના માતા શ્રીમતી નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા સૌને આશ્ચર્યચકિત કરતું એક પર્ફોર્મન્સ પણ આયોજિત કરવામાં આવ્યું હતું.
ગોળ ધાણા ગુજરાતી પરંપરાઓમાં આ લગ્ન પહેલાનો સમારંભ છે, જે સગાઈ સમાન છે. ગોળ-ધાણા વરરાજાના નિવાસસ્થાને વિતરિત કરવામાં આવે છે. કન્યાનો પરિવાર વરરાજાના નિવાસસ્થાને ભેટો અને મીઠાઈઓ સાથે આવે છે અને પછી યુગલ એકબીજાને રિંગ્સ પહેરાવે છે. રિંગ્સની આપ-લે કર્યા પછી દંપતી તેમના વડીલોના આશીર્વાદ લે છે.
સાંજના પ્રસંગની શરૂઆત અંબાણી પરિવારના સભ્યોએ અનંતની બહેન ઈશાની આગેવાનીમાં રાધિકા અને તેમના પરિવારને સાંજના ફંક્શનમાં આમંત્રિત કરવા મર્ચન્ટ પરિવારના ઘરે જઈને થઈ હતી. અંબાણી પરિવારે તેમના નિવાસસ્થાને આરતી અને મંત્રોચ્ચાર વચ્ચે મર્ચન્ટ પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
બંને પરિવારો અનંત અને રાધિકા સાથે તેમના ભાવિ બંધન અને સાંજના સમારંભો માટે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં ગયા હતા. ત્યાંથી બધા સમારંભ સ્થળ પર ગયા અને ત્યારબાદ ગણેશ પૂજાથી કાર્યોની શરૂઆત કરી પરંપરાગત લગ્ન પત્રિકાનું વાંચન કરવામાં આવ્યું હતું. ગોળ ધાણા અને ચુંદડી વિધિ કરવાની સાથે અનંત અને રાધિકાના પરિવારો વચ્ચે આશીર્વાદ અને ભેટોની આપ-લે થઈ હતી. શ્રીમતી નીતા અંબાણીની આગેવાની હેઠળ અંબાણી પરિવારના સભ્યો દ્વારા સૌને આશ્ચર્યચકિત કરી દેતું એક નૃત્ય કૃતિ રજૂ કરવામાં આવી હતી જેનાથી ઉપસ્થિત તમામ લોકોમાં ઉત્સાહ અને પારિવારિક બંધનનું તત્વ ખીલી ઉઠ્યું હતું.
ત્યારબાદ બહેન ઈશાએ રિંગ સેરેમનીની શરૂઆતની જાહેરાત કરી અને અનંત તથા રાધિકાએ પરિવાર અને મિત્રોની હાજરીમાં એકબીજાને રિંગ્સ પહેરાવી અને સપ્તપદીના આગામી બંધન માટે પરિવારના આશીર્વાદ માંગ્યા હતા.
અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને આજની સગાઈની વિધિ તેમને આગામી મહિનાઓમાં તેમના લગ્નની વધુ નજીક લાવે છે. બંને પરિવારો રાધિકા અને અનંત માટે દરેકના આશીર્વાદ અને શુભકામનાઓ
ઈચ્છે છે.
નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંતે યુ.એસ.એ.ની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય સહિત વિવિધ ક્ષમતાઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપી છે. તેઓ હાલમાં આરઆઇએલના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. શૈલા અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા ન્યૂ યોર્ક યુનિવર્સિટીના સ્નાતક છે અને એન્કોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે.