અમરેલીની શાંતાબા ગજેરા મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે. ગત 16થી 22 મી નવેમ્બર દરમિયાન 20 કરતાં વધુ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરાયા હતા. જેમાં આજે 17 જેટલા દર્દીઓની આંખોમાં ગંભીર પ્રકારની નુકસાની સામે આવી છે. જેને લઈને હડકંમ મચી જવા પામ્યો છે. દર્દીઓની ફરિયાદને લઈને રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને રાજ્યના આરોગ્ય પ્રધાન રુષિકેષ પટેલે સમગ્ર મામલામાં તપાસ કરવાની ખાતરી આપી છે. રાજ્યના આરોગ્ય પ્રધાનની તપાસની ખાતરી મામલો કેટલો ગંભીર છે તેના તરફ ઈશારો કરી જાય છે હાલ તમામ દર્દીઓ અમદાવાદ અને ભાવનગરની હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. જ્યાં તેમની આંખોની રોશની બચી શકે તેના માટે સારવાર અપાઈ રહી છે.