કોલકાતામાં મહિલા જુનિયર ડૉક્ટર પર બળાત્કાર-હત્યાના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શનિવારે જાહેર કરાયેલી ૨૪ કલાકની હડતાળમાં દેશભરની સરકારી હોસ્પિટલોના ડૉક્ટરો જોડાતા ઓપીડી સેવા ખોરવાઈ ગઈ હતી. આવા સમયે કેન્દ્ર સરકારે ડૉક્ટરોની સુરક્ષા માટે સંભવિત ઉપાયો સૂચવવા માટે નિષ્ણાતોની એક સમિતિ રચવાની જાહેરાત કરી હતી. જોકે, આ માટે તેમણે કોઈ નિશ્ચિત સમય આપ્યો નથી. જોકે, દેશના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસો વધ્યા હોવાથી સરકારે ડૉક્ટરોને વ્યાપક જનહિતમાં કામ પર પાછા ફરવા વિનંતી કરી છે.