દેશમાં લોકસભા ચૂંટણી તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. પહેલા ચાર તબક્કામાં કુલ ૨૩ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો અને ૫૪૩માંથી ૩૭૯ બેઠકો પર ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આવા સમયે ચૂંટણી પંચે દેશમાં અત્યાર સુધીમાં રોકડ અને કિંમતી વસ્તુઓ સહિત કુલ રૂ. ૮,૮૮૯ કરોડની જપ્તી કરી છે, જેમાં રૂ.૩,૯૫૯ કરોડના મૂલ્યના ડ્રગ્સનો સમાવેશ થાય છે તેમ ચૂંટણી પંચે શનિવારે જણાવ્યું હતું. ચૂંટણી પંચે ઉમેર્યું કે, ઈન્ટેલિજન્સ આધારિત સંકલિત કાર્યવાહીના પગલે દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ઐતિહાસિક પ્રમાણમાં વસ્તુઓ જપ્ત કરાઈ છે, જેમાં ગુજરાત રૂ. ૧૪૬૨ કરોડ સાથે ટોચ પર છે.