અમેરિકામાં ઈમિગ્રેશનના વિરોધ, અમેરિકા ફર્સ્ટ અભિયાનની મદદથી સત્તા પર આવેલા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો અને ટ્રમ્પ તંત્રમાં ટોચના પદો પર ચૂંટાયેલા લોકો વચ્ચે હવે આ મુદ્દાઓ પર ઘર્ષણ શરૂ થયું છે. ઈમિગ્રેશનના વિરોધી ટ્રમ્પ સમર્થકોએ એચ-૧બી કાર્યક્રમને અમેરિકા ફર્સ્ટ નીતિના વિરોધમાં ગણાવ્યો છે. આ મુદ્દા પર ઈલોન મસ્કે ટ્રમ્પ સમર્થકોને ગાળો ભાંડતા ત્યાં સુધી કહી દીધું કે એચ-૧બી કાર્યક્રમને બચાવવા માટે તેઓ યુદ્ધ કરવા પણ તૈયાર છે. વિવેક રામાસ્વામીએ પણ તેમનું સમર્થન કર્યું છે. આ સાથે તેમને ટ્રમ્પનો પણ ટેકો મળ્યો છે. આ સમગ્ર વિવાદના મૂળમાં ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનને માનવામાં આવે છે.