પહલગામમાં આતંકી હુમલાના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ પર છે. આવા સમયે પણ પાકિસ્તાનના સૈન્યે અંકુશ રેખા પર સતત ત્રીજા દિવસે ગોળીબાર ચાલુ રાખ્યો છે. ભારતીય સૈન્યે તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. બીજીબાજુ ભારત પૂર્ણ સ્તરનું યુદ્ધ કરી શકે છે તેવો ડર પાકિસ્તાનને સતાવી રહ્યો છે, જેના પગલે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઈમર્જન્સી લાગુ કરી દેવાઈ છે અને સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. પાકિસ્તાન એલઓસી પર સૈન્ય ખડકી રહ્યું છે. દરમિયાન એનઆઈએ પહલગામ હુમલાની તપાસ શરૂ કરી છે, જેમાં અનેક ઘટસ્ફોટ કરવામાં આવે તેવી શક્યતા છે.