અમદાવાદમાં આજથી સાત દિવસ એટલે કે 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર દરમિયાન મનપા આયોજિત 15મા કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ રહી છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, સ્ટેન્ડ અપ કોમેડી શો, બેન્ડ પર્ફોર્મન્સ, ડી.જે. કિયારા, લેસર-ડ્રોન શો, આતશબાજી સહિત અનેક કાર્યક્રમો યોજાશે. કાંકરિયા કાર્નિવલમાં સૌપ્રથમ વખત ડ્રોન શો, અંડરવોટર ડાન્સ અને દુબઇમાં યોજાતો હ્યુમન પાયરો શો (આગ સાથે ડાન્સ) પણ યોજાશે. આ ઉપરાંત લાફિંગ ક્લબનો ઉપયોગ, નેલ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધા યોજાશે. જણાવી દઈએ કે, કાંકરિયા કાર્નિવલ 2024નું ઉદ્ધાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. મનપા દ્વારા આ વર્ષે ખાસ કરીને જે પણ લોકોને કાંકરિયા કાર્નિવલમાં જવું હોય અને જે ગેટ ઉપર નાગરિકો જવા માગતા હોય એના માટે QR કોડ પણ જાહેર કરવામાં આવ્યા છે. શહેરીજનો કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમ અંગે માહિતી મેળવી શકે એ માટે પણ QR કોડ જાહેર કરાયા છે, જેને સ્કેન કરીને માહિતી મેળવી શકશે.
કાંકરિયા કાર્નિવલ-2024 દરમ્યાન યોજાનારા વિવિધ કાર્યક્રમો
1) લોક ડાયરો, બોલીવુડ ફ્યુઝન, પોલીસ બેન્ડ, તલવાર રાસ, ટીપ્પણી ડાન્સ, જલ તરંગ અને વાયોલીન તથા સંતુર વાદન, ફોક ડાન્સ, દેશભક્તિના ગીતો, નૃત્ય નાટીકા, સુફી ગઝલ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.
2) જુદા જુદા કલ્ચરલ ગ્રુપ દ્વારા માર્શલ આર્ટ અને સેલ્ફ ડિફેન્સ, સ્ટેન્ડ અપ કોમેડી કોમ્પીટીશન, ડ્રમ સર્કલ, બ્લેક કમાન્ડો પીરામીડ શૉ, સીંગીંગ અને ઈન્સ્ટ્રુમેન્ટલ કોમ્પીટીશન, માઈમ અને નુક્કડ નાટક, મલખમ શૉ, ભારતીય ક્લાસિકલ ડાન્સ, લાઈફ સાઈઝ પપેટ શો, પેટ ફેશન શૉ, સ્વચ્છ ભારત-શ્રેષ્ઠ ભારત સ્કીટ, કવિતા પઠન, ગીત સંગીત અને ડાન્સ કોમ્પીટીશન જેવા કાર્યક્રમો તેમજ બાળકોના મનોરંજન માટે મેજીક શૉ તેમજ અન્ડર વોટર ડાન્સ પર્ફોર્મન્સ, હ્યુમન પાયરો શૉ, સાયકલ સ્ટન્ટ જેવા વિવિધ રંગારંગ કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
3) ઉપરાંત, નેલ આર્ટ, ટેટુ મેકીંગ, જગલર, મહેંદી આર્ટ, ગેમીંગ ઈવેન્ટ, લાઈવ કરાઓકે, મ્યુઝિકલ ફાઉન્ટેન, કિડ્ઝ ડાન્સ, લાફીંગ ક્લબ, ડ્રોઈંગ કોમ્પીટીશન, ફીટનેશ ડાન્સ, વેલનેશ ટોક, સ્ટ્રેસ મેનેજમેન્ટ, મોટીવેશનલ ટોક, સાલસા ડાન્સ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટસ, માટીકલા, જવેલરી મેકીંગ, સોશ્યિલ મિડીયા, ફોટોગ્રાફી તથા ગાર્ડનીંગ જેવી પ્રવૃત્તિઓ અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.
4) નગરજનો દરરોજ સવારના સમયે પ્રાણાયામ, મેડિટેશન, યોગા, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે.
5) કાંકરિયા પરિસરમાં અમદાવાદની સ્વાદપ્રિય જનતા માટે ફુડ કોર્ટ અને ફ્લી માર્કેટ (હેન્ડી ક્રાફ્ટ બજાર) ઉભા કરવામાં આવશે.
6) કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવનાર લોકોના આકર્ષણરુપે દરરોજ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, લેસર શૉ તેમજ વી. આર. શૉનું આયોજન કરવામાં આવેલ છે.
7) નગરજનો કાંકરિયા કાર્નિવલ ૨૦૨૪ દરમ્યાન કાંકરિયા પરિસરમાં આવેલ વિવિધ આકર્ષણો જેવા કે, કિડઝ સિટી, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝુ, બાલવાટિકા, બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, મ્યુઝિકલ ફાઉન્ટેઈન તથા વિવિધ એમ્યુઝમેન્ટ અને રીક્રિએશન એક્ટિવીટીઝ, ફીશ એક્વેરિયમની મજા માણી શકશે.