ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓને લઇને ખેડૂતો દ્વારા ફરી આંદોલન શરૂ કરાયું છે. ૨૫ હજારથી વધુ ખેડૂતો દિલ્હીની સરહદોની આસપાસ પહોંચી ગયા છે, જોકે આ દરમિયાન હરિયાણા સરહદે પોલીસ સાથે ખેડૂતોનું ભારે ઘર્ષણ થયું હતું. પોલીસે ખેડૂતો પર ડ્રોનની મદદથી આંસુ ગેસના શેલનો મારો ચલાવ્યો હતો. ખેડૂતો પર રબર બૂલેટ પણ ચલાવાઇ હોવાના અહેવાલો છે. લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. જે બાદ વિફરેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ખેડૂતો અને પોલીસ બન્ને સામસામે આવી જતા અનેક ઘાયલ થયા હતા. ખાસ કરીને હરિયાણાની શમ્ભૂ બોર્ડર પર અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે અગાઉથી તૈનાત કરેલા સિમેન્ટ-કોંક્રિટના બ્લોકને ખેડૂતોએ ટ્રેક્ટરની મદદથી હટાવી લીધા હતા અને તેઓ દિલ્હી તરફ આગળ વધી ગયા હતા.